હળવદમાં પ્રથમવાર દ્વારકા શારદા પીઠના પ્રતિનિધિ કરશે ગણપતિ બાપ્પાની આરતી
હળવદ શહેરમાં આયોજિત શ્રી હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં આગામી તા. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 8:30 કલાકે ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. હળવદના ઈતિહાસમાં પ્રથમવાર ભગવાન દ્વારકાધીશ તથા દ્વારકા શારદા પીઠના પ્રતિનિધિ દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવશે.
શ્રી હળવદ કા રાજાના સહયોજક વિપુલભાઈ દવેના જણાવ્યા મુજબ, ગણપતિ પંડાલ ખાતે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રિય શિષ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે બ્રહ્મચારી શ્રી નારાયણાનંદ સરસ્વતીજી દ્વારા ભગવાન ગણપતિની આરતી કરવામાં આવશે તેમજ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન પાઠવવામાં આવશે. ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્યના પ્રતિનિધિ તરીકે બ્રહ્મચારી શ્રી નારાયણાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિને હળવદ માટે વિશેષ ધાર્મિક પ્રસંગ તરીકે આયોજકો દ્વારા ગણાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં હળવદની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે વિરલ દવે અને અશ્વિન પટેલ સહિતના આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ ધાર્મિક પ્રસંગ હળવદના ઈતિહાસમાં યાદગાર બની રહેશે.


