હળવદના પ્રતાપગઢ પાસે ખાનગી કંપનીના રેલવે કન્ટેનર યાર્ડે પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોએ પાક નુકશાનીનો લગાવ્યો આક્ષેપ
હળવદ તાલુકાના દેવળીયાથી પ્રતાપગઢને જોડતા રસ્તા પર બનાવામાં આવેલો રેલવેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને અને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને બાજુમાં આવેલા ખાનગી કંપનીના રેલવે કન્ટેનર યાર્ડના કારણે ખેડૂતોના ખેતરમાંથી પાણીનો નિકાલ બંધ થઈ જતાં ઉભાં પાકમાં મોટું નુક્સાન થયું છે જેથી વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડુતોએ માંગ કરી છે.હળવદ તાલુકાના દેવળીયાથી પ્રતાપગઢ, ધનાળા,મયુરનગર સહિતના સહિતના ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા પર રેલવે દ્વારા અંડરપાસ બનાવવામાં આવેલું છે, છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નહીં હોવા છતાં અંડરપાસમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી આ રેલવેનો અંડરપાસ લોકોને ઉપયોગ માટે બનાવમાં આવ્યું છે પરંતુ હાલ તો લોકો માટે દુવિધા રૂપ બન્યું છે.ધુળકોટના ખેડુત કાનભા જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતોને 1000 વીઘાથી 1500 વીઘામાં નુકસાન જવાની ભીતિ છે ખેતર પાણી ઓસરતા દિવસો લાગી જાય છે વહેલી તકે નિરાકરણ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડવાની ચિમકી ઉચ્ચારી હતી.સાથે ખેડુતોએ આક્ષેપ લગાવ્યો હતો કે બાજુમાં બનાવેલા રેલવે કન્ટેનર યાર્ડે પાણીનો નિકાલ બંધ કરી દીધો છે અને હવે મોટાભાગનુ વરસાદી પાણી આ અંડરપાસમાં આવે છે જેમાં ગળાડૂબ પાણી છે હળવદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નથી બીજી તરફ કપાસ, મગફળી, તલ, એરંડા સહિતના પાકમાં નુકસાન જઈ રહ્યું છે વહેલી તકે તંત્ર દ્વારા પાણી બહાર કાઢવામાં આવે જેથી વાહનોને તકલીફ દૂર થાય તેમજ વરસાદી પાણીનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે સાથે જ રેલવે કન્ટેનર યાર્ડે પાણીનો નિકાલ બંધ કરી દીધો છે ખોલવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.


