હળવદના કડીયાણાની સીમમાં પોલીસનો જુગારધામ પર દરોડો, પાંચ જુગારીઓ ઝડપાયા
હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 57,600નો મુદ્દામાલ કબજે કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે કડીયાણા ગામની સીમમાં પાંડાતીરથ જવાના રસ્તે આવેલા ક્રિકેટ મેદાન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં કરસનભાઈ વાઘજીભાઈ ઉડેચા, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા અને ભવાનભાઈ વિરમભાઈ સરવૈયાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહી હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


