નગરપાલિકામાં સત્તાધીશોની મનમાની સામે વિરોધ:વોર્ડ નં. ૧ ના સભ્ય દ્વારા ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ
હળવદ: હળવદ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે વોર્ડ નં. ૧ ના ચૂંટાયેલા સભ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલાએ ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે.
ભારતીબેન દોરાલાએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓને નેવે મૂકીને મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. વિવિધ કામોનું આયોજન,ગ્રાન્ટની ફાળવણી અને નાણાકીય ચુકવણીઓ જેવા મહત્વના નિર્ણયોમાં ચૂંટાયેલા સભ્યોની સલાહ કે સંમતિ લેવામાં આવતી નથી.પ્રમુખ દ્વારા એકહથ્થુ શાસન ચલાવવામાં આવતું હોવાની રાવ ઉઠી છે.
સભ્યોના વિચારો અને લોકશાહી મૂલ્યોની અવગણના કરીને આદેશો જારી કરવામાં આવે છે,જે નગરપાલિકા અધિનિયમની વિરુદ્ધ છે.
સામાન્ય સભા પૂર્ણ થયા બાદ તેની કાર્યવાહીની નોંધ તુરંત આપવામાં આવતી નથી અને ત્યારબાદ તેમાં પોતાની અનુકૂળતા મુજબ ફેરફાર કરીને ઠરાવો પસાર કરવામાં આવે છે, જે ગેરવ્યાજબી છે.
સભ્યએ સ્પષ્ટ માંગણી કરી છે કે, કોઈ પણ ખાસ કિસ્સા સિવાય પ્રમુખના આદેશો સામાન્ય સભામાં પસાર થયા બાદ જ અમલમાં મૂકવા જોઈએ અને સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ સભા પૂર્ણ થયાના તુરંત બાદ સભ્યોને મળવી જોઈએ.પાલિકાના સભ્ય ભારતીબેન દોરાલાએ ચેતવણી આપી છે કે, જો આ બાબતે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ પત્રની એક નકલ પ્રાદેશિક કમિશનર (રાજકોટ ઝોન) ને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે.


