હળવદમાં તલાટી કમ મંત્રી મંડળની અલગ જોબચાર્ટની માંગ, મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર પાઠવાયું
હળવદ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના નિર્ણયને સમર્થન આપતાં અલગ જોબચાર્ટની માંગ સાથે મામલતદાર, હળવદ તથા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), હળવદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીના કામની સ્પષ્ટ વહેંચણી કરી બંને માટે અલગ જોબચાર્ટ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેતી વિભાગની કામગીરી ગ્રામ સેવકને સોંપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
તલાટી મંડળે જણાવ્યું હતું કે વર્ષ 2022માં વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે સરકાર દ્વારા સમાધાનના ભાગરૂપે સમિતિની રચના કરી અલગ જોબચાર્ટ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે આજદિન સુધી આ દિશામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં નવા મહેસૂલી તલાટીઓની ભરતી અને નિમણૂકો કરવામાં આવી હોવા છતાં કામની યોગ્ય વહેંચણી કરવામાં આવી નથી.
તલાટી કમ મંત્રી મંડળના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી રાજ્યની સૌથી જૂની કેડર પૈકીની એક હોવા છતાં સતત ઉપેક્ષાનો ભોગ બની રહી છે. સરકારની વિવિધ નવી યોજનાઓ અને વધારાની કામગીરી સતત તલાટીઓને સોંપાતા કામનો બોજ વધ્યો છે. બીજી તરફ પગારધોરણ અને પ્રમોશનમાં પણ વિસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મંડળે સરકારને તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને અલગ જોબચાર્ટ જાહેર કરવા, કામની યોગ્ય વહેંચણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ વહીવટી સરળતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. મંડળના જણાવ્યા મુજબ આ નિર્ણયથી નાગરિકોના કામો સમયસર પૂર્ણ થશે અને સરકારની વિવિધ યોજનાઓનું અસરકારક અમલીકરણ પણ શક્ય બનશે.


