હળવદના સાપકડામાં ઓવરલોડ ડમ્પરોના ત્રાસ મામલે ગ્રામ પંચાયત મેદાને
નર્મદા કેનાલના પાળાને નુકસાન, ધૂળ-પ્રદૂષણ અને માર્ગ સલામતીના મુદ્દે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ : જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત
હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામમાં ચાલી રહેલા કેનાલ સંબંધિત કામ દરમિયાન તેમજ ખનીજ વહન કરતા ઓવરલોડ ડમ્પરોના સતત અવરજવરથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સાપકડા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે સ્પષ્ટ જણાવ્યું છે કે ગામની સીમમાંથી પસાર થતા આ ભારે વાહનોના કારણે રસ્તાઓને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, કેનાલના કામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરના વાહનો દ્વારા નિયમોનું કોઈ જ પાલન કરવામાં આવતું નથી. ઓવરલોડ ડમ્પરોના કારણે રસ્તા પર ધૂળના ગોટેગોટા ઉડે છે, જેનાથી આસપાસના ખેતરોના પાકને નુકસાન થવાની સાથે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. ગ્રામ પંચાયતે આક્ષેપ કર્યો છે કે કેટલાક વાહનો પાસે જરૂરી દસ્તાવેજો અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) પણ ન હોવાની પ્રબળ શંકા છે. આ ઉપરાંત, ભારે વાહનોની સતત અવરજવરથી નર્મદાની મોરબી બ્રાન્ચની હળવદ શાખા કેનાલના પાળાને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જે ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જી શકે છે.
સાપકડા ગ્રામ પંચાયતે જિલ્લા તંત્ર સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે. નિયમભંગ કરતા વાહનો અને તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોના હિત અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સત્વરે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.


