હળવદના કવાડીયામા પૂર્વજોની જમીનનાં ખોટા દસ્તાવેજો રજૂ કરી રૂ. 7.90 લાખનું કૃષિ ધિરાણ મેળવ્યાની ફરીયાદ
હળવદ તાલુકાના કવાડિયા ગામે પૂર્વજોની માલિકીની જમીન હડપ કરવા ખોટા દસ્તાવેજો અને ખોટું સોગંદનામું રજૂ કરી રૂ. 7.90 લાખનું કૃષિ ધિરાણ મેળવ્યાનો મામલે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મશરુભાઈ લોદરીયા (રહે. કવાડિયા)એ હળવદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પૂર્વજોની માલિકીની રેવન્યુ સર્વે નં. 265 પૈકી 36ની જમીન કવાડિયા ગામે આવેલી છે. તેમના કાકા અવસરભાઈ તિકુભાઈનું અવસાન થઈ ચૂક્યું હોવા છતાં આરોપી ચંપાબેન દેવજીભાઈએ જીવા ગ્રામ પંચાયતમાં ખોટો મરણ દાખલો રજૂ કરી, મરણની ખોટી તારીખ દર્શાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુમાં, આરોપીએ મૃતક અવસરભાઈની પુત્રી હોવાનો ખોટો સોગંદનામું રજૂ કરી જમીન પર હક મેળવવાના દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે બેંકમાંથી રૂ. 7.90 લાખનું કૃષિ ધિરાણ મેળવી કૌભાંડ આચર્યું હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી પોતાની વારસાઈ નોંધ કરાવવા જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેના આધારે હળવદ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ શરૂ કરી છે.


