હળવદ માર્કેટ યાર્ડ ખાતે નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વેપારીઓ સાથે મળી યાર્ડને ગુજરાતનું નંબર વન બનાવીશું
હળવદ : તાજેતરમાં હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જેમાં ચેરમેન તરીકે જયેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રમેશભાઈ કણજરીયાની નિમણૂક કરવામાં આવી છે.આ બંને નવનિયુક્ત યાર્ડના સુકાનીઓનો સન્માન સમારોહ હળવદ માર્કેટ યાર્ડ ખાતે યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં માર્કેટ યાર્ડના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ તરીકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,મહામંત્રી તપનભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ યશભાઈ પટેલ તેમજ સાધુ-સંતો અને ભાજપના અગ્રણીઓ પણ વિશેષ રૂપથી જોડાયા હતા.
આ સમારોહ દરમિયાન વેપારીઓ દ્વારા એવી પણ વિશેષ અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે,આગામી દિવસોમાં હળવદ માર્કેટ યાર્ડ અને વેપારી એસોસિએશન બંને સાથે મળીને વેપારીઓના તેમજ યાર્ડને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવશે.ઉલ્લેખનીય છે કે,હળવદ માર્કેટ યાર્ડ હાલ ગુજરાતમાં ત્રીજા નંબરનું ગણનાપાત્ર યાર્ડ છે.ત્યારે આ માર્કેટ યાર્ડ આગામી દિવસોમાં ગુજરાતમાં નંબર વન બને તે માટે ચૂંટાયેલી બોડી અને વેપારી એસોસિએશન સંયુક્તપણે ખભેખભો મિલાવીને કામ કરશે તેવી દ્રઢ આશા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ કરીમભાઈ ગોવાણી,હળવદ વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલ, માર્કેટ યાર્ડના વેપારી ગોપાલભાઈ પટેલ તેમજ કિશોરભાઈ પટેલ સહિતના વેપારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ મહેમાનો, વેપારીઓ તેમજ માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા તમામ મહાનુભાવો માટે સમૂહ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


