હળવદમાં રાત્રિ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું
હળવદ: શહેરમાં ચાલી રહેલા માર્ગ વિકાસના કામોને ધ્યાનમાં રાખીને હળવદ નગર પાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માર્ગ નિર્માણ દરમિયાન રોડ પર જમા થયેલી ધૂળ, માટી, કપચી સહિતનો કચરો ટ્રેક્ટર, બ્લેડ મશીન અને અન્ય સાધનોની મદદથી દૂર કરીને સઘન સફાઈ કરવામાં આવી હતી.
સફાઈ કામગીરી દરમિયાન નગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નગર પાલિકા દ્વારા જણાવાયું હતું કે મુખ્ય માર્ગો પર સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી ધૂળ અને ગંદકીને કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ તેમજ અકસ્માતની સંભાવનાઓ ઘટાડવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સફાઈ બાદ માર્ગો વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનતાં વાહનચાલકો તથા રાહદારીઓને રાહત મળી હતી.
નગર પાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં જ્યાં જ્યાં વિકાસના કામો પૂર્ણ થશે ત્યાં તબક્કાવાર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે, જેથી નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે.
આ ઉપરાંત નગર પાલિકાએ નાગરિકોને જાહેર માર્ગો પર કચરો ન ફેંકવા, સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અને “સ્વચ્છ હળવદ–સુંદર હળવદ” અભિયાનને સફળ બનાવવા સક્રિય સહભાગી બનવાની અપીલ કરી છે.


