ભાજપના ઉમેદવાર રજની પટેલની ધરપકડ, દેશી દારૂની ભઠ્ઠી કેસમાં 12 દિવસથી હતો ફરાર
હળવદ તાલુકા પંચાયતની અજીતગઢ બેઠકના ભાજપના ઉમેદવાર તેમજ અજીતગઢ ગ્રામ પંચાયતના સરપંચ પતિ રજની પટેલની હળવદ પોલીસે ટીકર ગામની ચોકડી પાસેથી ધરપકડ કરી છે. ગત 19 મેના રોજ હળવદ પોલીસે રજની પટેલની માલિકીની વાડીમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી.
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કબજે કર્યો હતો અને આરોપી સુનિલ થરેસાનીની ધરપકડ કરી હતી. જોકે, વાડી માલિક રજની પટેલ પોલીસ કાર્યવાહી દરમિયાન ફરાર હતો.
આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ છેલ્લા 12 દિવસથી ફરાર રહેલા રજની પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઓફિસમાં જિલ્લા પંચાયત સદસ્યો સાથેનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને પણ ચર્ચાઓ ઉઠી હતી.પોલીસે સતત વોચ રાખી તપાસ આગળ વધારતા આજે બપોરના સમયે ટીકર ગામની ચોકડી પાસેથી રજની પટેલને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


