હળવદમાં ખોડ ગામની સીમમાં તળાવ કાંઠેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ, રાજકારણ ગરમાયું ભઠ્ઠી કોની ?
હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં તળાવ કાંઠેથી ઝડપાયેલી દેશીદારૂની ભઠ્ઠી મામલે હવે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. હળવદ પોલીસ દ્વારા દરોડા દરમિયાન આશરે 1550 લીટર આથો તથા 325 લીટર દેશીદારૂ સહિત અંદાજે રૂા. 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા ભઠ્ઠી કોણ ચલાવતું હતું અને તેની પાછળ કોનું નેટવર્ક કાર્યરત હતું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બીજી તરફ આ સમગ્ર ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભઠ્ઠી સાથે ભાજપના આગેવાનોના નામોની ચર્ચાએ જોર પકડતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકબીજા પર આક્ષેપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. સાથે સાથે પોલીસ અને ગ્રામજનોએ કરેલી કામગીરીમાં પણ “જસ ખાટવા”ની હોડ ચાલી રહી હોવાની ચર્ચાઓ ગામમાં ઉઠી રહી છે.
સ્થાનિકોમાં ચર્ચા છે અને હાલ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તથા અન્ય સૂત્રોના આધારે આરોપીઓને શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.હવે દેશીદારૂની ભઠ્ઠી સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ પોલીસ પકડમાં આવશે ત્યારબાદ સમગ્ર પ્રકરણનો ભેદ ખુલશે તેવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે.


