હળવદના ટીકરમા મકાનમાંથી ચોરી કેસમાં આરોપીની દાગીના સાથે ધરપકડ
હળવદ તાલુકાના ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો હળવદ પોલીસે ઝડપી ભેદ ઉકેલી આરોપીને જ ઝડપી લીધો છે. અગરિયા પરિવારના ઘરમાંથી સાડા પાંચ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપી ટીકર ગામનો જ વતની હોવાનું બહાર આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, ટીકર ગામે રહેતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તારીખ ૬ ફેબ્રુઆરીના રોજ તસ્કરે દિવાલ કૂદી ઘરમાં પ્રવેશ કરી તાળા તોડી અંદરથી ગળાના બે હાર, કાનની બુટ્ટી, શેર તથા બે વીટી સહિત કુલ રૂ. ૩.૯૪ લાખના સાડા પાંચ તોલા જેટલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સુરેશભાઈ મકવાણાએ ૧૧ ફેબ્રુઆરીના રોજ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ટીકર ગામના જ વતની વિશાલ ખાંભડીયાની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે માત્ર એક જ દિવસમાં આરોપીને ઝડપી લઈ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લેવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ દાગીનાની રિકવરી કરી છે.


