હળવદના ટીકર રણ ગામે મકાનફોડ ચોરી : સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરીની ફરીયાદ
હળવદ તાલુકાના ટીકર રણ ગામે રહેતા અગરિયા પરિવારને તસ્કરોએ નિશાન બનાવતા મકાનફોડ ચોરીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ, તા. 6ના રોજ અજાણ્યા તસ્કરો તેમના મકાનની દિવાલ કુદી અંદર પ્રવેશ્યા હતા અને મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ગળામાં પહેરવાના બે હાર, કાનમાં પહેરવાની બુટી, એક શેર તથા બે વીટી સહિત કુલ સાડા પાંચ તોલા સોનાના દાગીના ચોરી લઈ ગયા હતા. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત અંદાજે રૂ. 3,94 લાખ જેટલી થાય છે.ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.


