હળવદ સામંતસર તળાવના કાંઠે બાંધકામોનો રાફડો – મંજુરી કે મીઠી નજર
હળવદ શહેરમાં રોડ ટચ કીંમતી જગ્યાઓ પર ગેરકાયદેસર અડીંગો જમાવી ભાડે આપવાનો ધિકતો ધંધો ફુલ્યો ફાલ્યો છે જેમાં મુક પ્રેક્ષક બની ગયેલાં નગરપાલિકા તંત્રને રજૂઆત આવે એટલે તુરંત સુરાતન ચડે છે અને માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરીને સંતોષ માની લે છે ત્યારે ચોમાસાની સિઝનમાં સામંતસર તળાવમાં કાચા ઝુંપડા હટાવીને સુરાતન દેખાડનાર નગરપાલિકા તંત્રને પાકુ બાંધકામ થતું હોય તેવું નહીં દેખાતું હોય ? કે પછી તેમની મીઠી નજર તળે આવા બાંધકામોને આડકતરી રીતે મંજૂરી આપવામાં આવી રહી છે ? હળવદ સામંતસર તળાવનાં કાંઠાની ઉપર માટીના પાળા કરી અને બાંધકામો કરી દેવામાં આવી રહ્યાં છે તો સાથે ઘણી જગ્યાએ તો બાંધકામ પૂર્ણ પણ થઈ ગયા છે પરંતુ હળવદ નગરપાલિકા તંત્રના ચીફ ઓફિસરને અહીંયા દબાણ હટાવવાનું સુરાતન ક્યારે ચડશે તે જોવાનું રહ્યું. હળવદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પ્રશંસનીય છે કારણ કે પાલિકા દ્વારા જ્યાં દબાણ હટાવ્યુ તેની સામેની સાઈડમાં પણ એટલું જ દબાણ છે પરંતુ ત્યાં રાજકીય આગેવાનોની ભલામણ કદાચ આવી હશે જેથી કરીને દબાણ હટાવવાની કામગીરી નહીં કરી હોય પરંતુ હળવદની શાન સમા સામંતસર તળાવમાં લાખો રૂપિયા નાખીને બ્યુટીફિકેશન કર્યું હતું તે જ સ્થિતિમાં તળાવ છે કે નહીં તેની પણ તસ્દી લેજો સાહેબ અને થોડો સમય મળે તો બાંધકામો ગેરકાયદે હોયતો તપાસ કરી કાર્યવાહી કરો તેવી લોકમાંગ છે.


