હળવદમાં 2 ઓગસ્ટે પત્રકાર એસોસિએશન દ્વારા ભવ્ય સર્વરોગ નિદાન, રક્તદાન અને અંગદાન સંકલ્પ કેમ્પ
રઘુવંશી મહાજન વાડી ખાતે યોજાશે કેમ્પ, 10થી વધુ નિષ્ણાત તબીબો આપશે નિઃશુલ્ક સેવાઓ
હળવદ : હળવદ પત્રકાર એસોસિએશનના ઉપક્રમે આગામી 2 ઓગસ્ટ, 2026ના રોજ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત રઘુવંશી મહાજન વાડી ખાતે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ અને સંકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક સેવા અને આરોગ્યલક્ષી આ અનોખા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કેમ્પમાં મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, રાજ્યના મંત્રી ત્રિકમભાઈ છાંગા, કાંતિભાઈ અમૃતિયા તેમજ મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો હાજરી આપશે.
હળવદ પત્રકાર એસોસિએશન દ્વારા હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને દર્દીઓને રાજકોટ કે મોરબી સુધી સારવાર માટે જવાની જરૂર ન પડે તે હેતુથી પોતાના વિસ્તારમાં જ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. યુવાનોને પોતાના પરિવારના વડીલો અને જરૂરિયાતમંદોને કેમ્પ સુધી પહોંચાડવા અપીલ પણ કરવામાં આવી છે.
કેમ્પ દરમિયાન તમામ દર્દીઓની નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે તેમજ જરૂરી દવાઓનું મફત વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, તપાસ દરમિયાન સર્જરીની જરૂરિયાત જણાય તેવા દર્દીઓને રાહત દરે ઓપરેશન તથા આગળની સારવાર માટે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવશે. રક્તદાનની સાથે અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને અંગદાન સંકલ્પ ફોર્મ ભરાવવાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં ડો. સેતુ જાસાણી (ઓર્થોપેડિક), ડો. નિલેશ ચૌહાણ (બાળરોગ), ડો. આકાશ કુંડારિયા (હૃદયરોગ), ડો. નેન્સીબેન પટેલ (આયુર્વેદ), ડો. વિધિબેન પટેલ (આંખના રોગ), ડો. અંકેશ પટેલ (ઈએનટી), ડો. અંકિત પટેલ (સ્ત્રીરોગ), ડો. નિધિબેન વ્યાસ (ફિઝિયોથેરાપી), ડો. અમિત પટેલ (ચામડીના રોગ), ડો. હાર્દિકકુમાર હડિયાલ (ડાયાબિટીસ) તેમજ ડો. મિલન માલમપરા (જનરલ ફિઝિશિયન) સહિત 10થી વધુ નિષ્ણાત તબીબો દર્દીઓને નિઃશુલ્ક સેવા આપશે.
સ્થળ: રઘુવંશી મહાજન વાડી, રેલવે સ્ટેશન રોડ, નગરપાલિકા વાળી શેરી, હળવદ.


