હળવદમાં મોરબી બ્રાન્ચ કેનાલને નુકસાન મામલે તંત્રનું ઉદાસીન વલણ-ફરી નોટીસનુ નાટક કે કાર્યવાહી થશે.?
હળવદ વિસ્તારમાં આવેલી મોરબી બ્રાન્ચ કેનાલને ઓવરલોડ ડમ્પરોના અવરજવરથી થયેલા નુકસાન અંગે સિંચાઈ વિભાગે આખરે નુકસાન થયાનું સ્વીકાર્યું છે. તેમ છતાં જવાબદાર શખ્સો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર મિતેશ ખોલીયાએ જણાવ્યું હતું કે, કેનાલ પર અનધિકૃત રીતે વાહનોની અવરજવર રોકવા માટે નોટિસ આપવામાં આવશે તેમજ સ્થળ પર બેરીકેટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 10 દિવસમાં સંબંધિત લોકોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીએ સ્વીકાર્યું કે ઓવરલોડ ડમ્પરોના સતત અવરજવરથી મોરબી બ્રાન્ચ કેનાલને મોટાપાયે નુકસાન થયું છે. જોકે નુકસાનની જાણ હોવા છતાં અત્યાર સુધી માત્ર કાર્યવાહી અંગેની જાહેરાતો જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સાપકડા ગ્રામ પંચાયત દ્વારા પણ કેનાલ પર દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાથી સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે વિભાગે 10 દિવસમાં કાર્યવાહી કરવાની ખાતરી આપતા આગામી દિવસોમાં તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.


