હળવદમાં સરપંચ પતિની દુકાનમાંથી 6.86 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાણેકપર ગામના સરપંચ પતિ રાજ ઉર્ફે રાજુ નવઘણ ઉડેચાની માલિકીની દુકાનમાં હળવદ પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
દરોડા દરમિયાન દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની અંગ્રેજી દારૂની કુલ 1,632 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. 6.86 લાખ કિંમતનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે દરોડા દરમિયાન આરોપી રાજ ઉર્ફે રાજુ નવઘણ ઉડેચા સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ ચલાવવામાં આવી રહી છે. ગામમાં સરપંચ પતિની દુકાનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.


