હળવદ નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે કાર્યવાહી એવી રહી કે દબાણ હટાવતાં કોઈને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું… ખાસ કરીને “લાગવગ ધરાવતા” લોકોને!
હળવદ નગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દબાણો દૂર કરવાની જાહેરાત તો કરવામાં આવી હતી, પરંતુ મેદાનમાં ઊતરતાં જ તસવીર કંઈક અલગ જ જોવા મળી.
રાણેકપર રોડ પર નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી, પરંતુ ત્યાં “ભલામણ”નું બળ ભારે પડી ગયું.જ્યાં સામાન્ય લોકોના દબાણો હોય ત્યાં કડક કાર્યવાહી થાય છે, પરંતુ અહીં તો દૃશ્ય જ જુદું હતું. દબાણ હટાવવાને બદલે નગરપાલિકાના સ્ટાફે અને વાહનોએ તમામ ચીજવસ્તુઓ “સલામત રીતે” ઉઠાવીને સીધા ઘર સુધી પહોંચાડવાની સેવા આપી દીધી! અટલેકે, દબાણ હટાવવાની કામગીરી કરતા વધારે “મુવિંગ સર્વિસ”નો અનુભવ લોકો કરી રહ્યા છે.નોટીસો આપવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જયારે કાર્યવાહી કરવાની વારે આવે ત્યારે પાલિકાને જ “દબાણ” આવી જાય છે—આવો સવાલ હવે શહેરવાસીઓ ઉઠાવી રહ્યા છે.હાલમાં નગરપાલિકાની આ કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થયા છે. એક બાજુ સામાન્ય લોકો સામે કડક વલણ અને બીજી બાજુ લાગવગ ધરાવતા લોકો માટે નરમાઈ—શું આ જ છે ન્યાયની સમાનતા?હળવદ નગરપાલિકાની આ “સિલેક્ટિવ” કામગીરી હવે ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે આવી કાર્યવાહી પર કોઈ જવાબદારી નક્કી થશે કે પછી આ બધું આમ જ ચાલતું રહેશે.


