આરંભે સુરા અંતે અધુરાં’ હળવદ નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી પર બ્રેક.?
હળવદ શહેરમાં હળવદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અચાનક આ કામગીરી બંધ કરી દેવામાં આવતા શહેરમાં અનેક સવાલો અને ચર્ચા જાગી છે. ખાસ કરીને સરા રોડ પર દુકાનોના પતરાં ઉતરાવ્યા બાદ દુકાનોની આગળ બનાવવામાં આવેલા ઓટલા સ્વરૂપે થયેલા દબાણ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા નાગરિકોને કોઈ લાભ થયો નહીં હોવાનું સામે આવ્યું છે.નગરપાલિકા તંત્રએ પ્રારંભિક તબક્કામાં કડકાઈ દાખવી પતરાં ઉતરાવ્યા હતા, પરંતુ મૂળ સમસ્યા સમાન દુકાનોની આગળના કાયમી ઓટલાઓ દૂર કરવામાં આવ્યા નથી. સ્થાનિકોનો સવાલ છે કે શું માત્ર પતરાં ઉતરાવવાથી માર્ગ વિસ્તૃત થઈ જશે? શું વાહનો હવામાં ઉડતા હશે એટલે પતરાં અડચણરૂપ હતા? ખરેખર તો માર્ગ અવરોધનું મુખ્ય કારણ ઓટલા અને કાયમી બાંધકામ છે.સરા ચોકડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન “વન વીક, વન રોડ” અભિયાનની જાહેરાત સાથે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે નોટીસો આપી કામગીરી સ્થગિત કરાતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે પાલિકાએ માત્ર નોટીસો આપી સંતોષ માની લીધો છે કે કેમ?શહેરજનોમાં ચર્ચા છે કે જ્યાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યાં ખરેખર દબાણ પૂર્ણપણે દૂર થયા છે કે નહીં તેની યોગ્ય તપાસ થવી જોઈએ. જો કામગીરી અધવચ્ચે જ અટકાવવામાં આવી હોય તો “આરંભે સુરા અને અંતે અધૂરા” જેવી કહેવત અહીં સાર્થક થતી દેખાઈ રહી છે.હવે નગરપાલિકા તંત્ર સરા રોડ પર દુકાનોના ઓટલા ક્યારે દૂર કરાશે? અને જાહેરમાં કરાયેલી જાહેરાત મુજબ શહેરને દબાણમુક્ત બનાવવાની કામગીરી ફરી શરૂ થશે કે નહીં તે જોવું રહ્યું.


