હળવદ પાલિકાએ નિયમોની ઐસીતૈસી કરીને વાહવાહી લુંટવાની ઉતાવળમાં ટેન્ડર વગર કામગીરીનો આરંભ કર્યાનો આક્ષેપ?
હળવદ શહેરમાં નગરપાલિકાની કામગીરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. હળવદ નગરપાલિકા દ્વારા સરાનાકા નજીક નિર્માણાધીન જાહેર યુરિનલનું કામ ટેન્ડર પ્રક્રિયા વિના જ કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઉઠતા શહેરમાં રાજકીય તથા પ્રાશાસનિક ચર્ચાઓ તેજ બની છે.વોર્ડ નં.1ની સદસ્ય ભારતીબેન દોરાલાએ સમગ્ર મામલે લેખિત રજૂઆત કરીને રાજકોટ નગરપાલિકાઓની પ્રાદેશિક કચેરીના કમિશ્નરને દખલ કરવા વિનંતી કરી છે.હળવદ નગરપાલિકાએ લાગતા-વળગતા હોદ્દેદારો દ્વારા નિયમોને બાજુએ મૂકી મનપસંદ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હોવાની શંકા છે, જે સરકારી નાણાંના દુરુપયોગ તરફ ઈશારો કરે છે.નગરપાલિકાના નિયમો મુજબ રૂપિયા એક લાખથી ઓછી કિંમતના કામ માટે ટેન્ડર જરૂરી નથી, જ્યારે એક લાખથી પાંચ લાખ સુધીના કામ માટે ઓફલાઈન ટેન્ડર પ્રક્રિયા અનિવાર્ય છે. પાંચ લાખથી વધુના કામ માટે ઓનલાઈન ટેન્ડર ફરજીયાત ગણાય છે. તેમ છતાં આ પ્રક્રિયા અનુસરાઈ કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયાની ભૂમિકા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો રજૂઆતમાં કરાયેલા આક્ષેપોમાં તથ્ય સામે આવે તો સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.હાલ સદસ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ શહેરમાં આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. હવે રાજકોટ પ્રાદેશિક કચેરી દ્વારા તપાસ હાથ ધરાશે કે નહીં અને જવાબદારો સામે કયા પગલાં લેવાશે તેની પર સૌની નજર છે.?


