મોરબીમાં ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજની ભાજપ સંગઠનમાં પ્રતિનિધિત્વ માટે ઉગ્ર માંગ
મોરબી જિલ્લામાં ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજને ભાજપના સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા નારાજગીનો માહોલ સર્જાયો છે. સમાજના આગેવાનોએ પક્ષ પ્રત્યે વર્ષોથી અડગ સમર્પણ હોવા છતાં હોદ્દા વિતરણમાં પોતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે.સમાજના પ્રતિનિધિઓએ ભાજપ પ્રદેશ પ્રમુખને પાઠવેલા લેખિત પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મોરબી જિલ્લામ ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ લાંબા સમયથી છતાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સંગઠનમાં સમાજના એકપણ કાર્યકરને મહત્વના હોદ્દા પર સ્થાન આપવામાં આવ્યું નથી, જે સમાજ માટે દુઃખદ બાબત ગણાવી છે.આગેવાનોના જણાવ્યા મુજબ માત્ર રાજકીય સંગઠન જ નહીં, પરંતુ જિલ્લાની અગત્યની સંસ્થાઓ જેવી કે APMC, વિવિધ સહકારી મંડળીઓ, કો-ઓપરેટિવ બેંકો તેમજ મયુર ડેરી જેવી અગ્રણી સંસ્થાઓમાં પણ સમાજનું પ્રતિનિધિત્વ શૂન્ય છે. પરિણામે સમાજમાં અસમાધાન અને અસંતોષની લાગણી વ્યાપી રહી છે.સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, “અમે વર્ષોથી ભાજપના વિચારો અને નીતિઓને સમર્થન આપતા આવ્યા છીએ. ચૂંટણી દરમિયાન સક્રિય કામગીરી કરી છે, છતાં સંગઠનમાં સ્થાન ન મળવું અત્યંત દુઃખદ છે.” તેઓએ માંગ કરી છે કે આગામી સમયમાં જિલ્લા ભાજપ સંગઠન તથા સરકારી-સહકારી માળખામાં લાયક અને અનુભવી આગેવાનોને યોગ્ય હોદ્દા સોંપવામાં આવે.સમાજના આગેવાનોના મતે, સમયસર યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે તો સમાજમાં વિશ્વાસ અને એકતા વધુ મજબૂત બનશે. હાલ સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ પહોંચતા હવે પક્ષના નેતૃત્વ તરફથી શું નિર્ણય લેવાશે તે તરફ મોરબી જિલ્લાનું રાજકીય વર્તુળ મીટ માંડીને જોઈ રહ્યું છે.


