
હળવદમાં ધો.૮ના વિદ્યાર્થીએ ધો.૧૨ સાયન્સના ક્લાસમાં બાયોલોજી વિષય ભણાવ્યો
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે શિક્ષક દિવસ અને આ દિવસે શાળાના બાળકો એક દિવસ માટે પોતે શિક્ષક બનીને અધ્યાપન કાર્ય કરાવે છે. ગુજરાતના મોરબી જિલ્લાના હળવદ તાલુકાની તક્ષશિલા સંકુલમાં ધો.૮માં ભણતા બાળક એરવાડિયા યુગ ઘનશ્યામભાઈએ કમાલ કરતા ધો. ૧૨ સાયન્સના ક્લાસમાં બાયોલોજી વિષય ભણાવ્યો હતો. નાનપણથી જ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા, હળવદના નાનકડા માનગઢ ગામના વતની યુગ ઘનશ્યામભાઈ એરવાડિયા ગુગલમાં ક્યારેય શોર્ટ વિડિયો કે યુટ્યુબ નથી જોતો પરંતુ હંમેશા વૈજ્ઞાનિકોના જીવન અને શોધો વિશે, વિજ્ઞાનના મોડેલ અને પ્રોજકટ વિશે જ ખાંખાંખોળા કરતો રહે છે. તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ ગરધરિયાએ જણાવ્યુ હતુ કે સ્માર્ટ બોર્ડની મદદથી ધો.૮ના વિદ્યાર્થીએ ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ઉદ્વિકાસ જેવો બાયોલોજીનો વિષય અત્યંત સરળ અને સહજ ભાષામાં સમજાવ્યો હતો.


