હળવદ-રણમલપુર માર્ગ પર જંગલ કટીંગની માંગ, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ
હળવદ માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર તથા સેકશન ઓફિસરને અનેક વખત રજૂઆતો કરવા છતાં હળવદથી રણમલપુર માર્ગ તેમજ માલણીયાદના પાટીયાથી જૂના માલણીયાદ ગામ સુધીના માર્ગની સાઈડમાં ઉગી નીકળેલા ઝાડ-ઝાંખરા અને જંગલનું કટીંગ કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
માલણીયાદ તાલુકા પંચાયતના સભ્ય મનસુખભાઈ કણજારિયાએ જણાવ્યું હતું કે, આ માર્ગો પર લાંબા સમયથી ગાંડા બાવળ સહિતની વનસ્પતિ ઉગી નીકળતાં માર્ગ સાંકડા બની ગયા છે અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વળાંકવાળા સ્થળોએ દૃશ્યતા ઘટી જતાં અકસ્માતની સંભાવનાઓ પણ વધી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હળવદથી રણમલપુરને જોડતા આ માર્ગ પરથી 15થી વધુ ગામોના લોકોની દૈનિક અવરજવર રહે છે. તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે આખરે મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક જંગલ કટીંગની કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી છે.
સ્થાનિક લોકોમાં પણ એવી માંગ ઉઠી છે કે, માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે જેથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને અકસ્માતના બનાવો અટકાવી શકાય.


