ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ : હળવદ કા રાજા ગણપતિ પંડાલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
હળવદ: ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક આરાધના સાથે સમાજસેવાનો સંદેશો આપવાના હેતુથી શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર, તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાનારા આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપશે.
કેમ્પમાં ન્યુરોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, જનરલ સર્જન, ઓર્થોપેડિક, એમ.ડી. મેડિસિન તથા પીડિયાટ્રિશિયન સહિતના નિષ્ણાત તબીબોની ટીમ સેવા આપશે. મગજ અને મણકાના રોગો, પથરી-પ્રોસ્ટેટ, એપેન્ડિક્સ તથા અન્ય સર્જરી સંબંધિત તકલીફો, હાડકાં અને સાંધાના રોગો, બ્લડ પ્રેશર-ડાયાબિટીસ તેમજ બાળરોગ સહિતની વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે નિદાન અને નિષ્ણાત સલાહ આપવામાં આવશે.
કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક તબીબી કન્સલ્ટેશન, X-Ray તેમજ જરૂરિયાત મુજબ નિયમિત દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને નિષ્ણાત તબીબી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે અને સમાજસેવા તથા માનવકલ્યાણનું માધ્યમ બને તે હેતુ સાથે આયોજકો દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ, શ્રી શરણનાથ ઉપવન, શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સામે, તળાવ કાંઠે, હળવદ ખાતે યોજાશે. હળવદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


