હળવદની તક્ષશિલા વિદ્યાલયે જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ત્રિપલ વિજય મેળવ્યો
ગુજરાત સરકાર દ્વારા આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન તાજેતરમાં હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કરતાં અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 એમ ત્રણેય વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે તક્ષશિલા સંકુલના કુલ 37 ખેલાડીઓની રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઇન-સ્કૂલ કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેન ઓરાએ સતત માર્ગદર્શન અને તાલીમ આપી હતી.
આ સિદ્ધિ બદલ તક્ષશિલા સંકુલના પ્રમુખ ડાયાભાઈ ગરધરિયા, ટ્રસ્ટી રમેશ કૈલા તથા મેનેજિંગ ડિરેક્ટર મહેશ ગરધરિયાએ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક કોચને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


