હળવદમાં ઘરમાં જુગારધામ પર પોલીસનો દરોડો
ચાર જુગારીઓ ₹2.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ઘરધણી ફરાર
હળવદ શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ સહિત કુલ ₹2,62,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મકાન માલિક ફરાર હોવાનું સામે આવતા તેની સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસને મળેલી બાતમીના આધારે ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરત ગોકળભાઈ બારના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા, બળદેવ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર, ધવલ દેવશીભાઈ કલોતરા તથા વાસુદેવ મોહનભાઈ એરવાડીયા જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી ₹1,51,500ની રોકડ, ₹40,000 કિંમતના બે મોટરસાયકલ તથા ₹71,000 કિંમતના ચાર મોબાઇલ ફોન મળી કુલ ₹2,62,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે મકાન માલિક ભરત ગોકળભાઈ બાર સ્થળ પર હાજર ન મળતા તેને ફરાર જાહેર કરી તેની સહિત પાંચ શખ્સો સામે હળવદ પોલીસ મથકે જાહેર જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


