15 દિવસથી ફરાર દારૂના ગુનામાં સંડોવાયેલ રાણેકપરના સરપંચ પતિ ઝડપાયો, 6.86 લાખનો મુદ્દામાલ કબ્જે
હળવદ તાલુકાના રાણેકપર ગામના સરપંચના પતિને હળવદ પોલીસે દારૂના ગુનામાં 15 દિવસની શોધખોળ બાદ ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી અંગ્રેજી દારૂની 1632 જેટલી નાની-મોટી બોટલો સાથે કુલ 6,86,052 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રાણેકપર ગામના સરપંચ શિલ્પાબેનના પતિ રાજ ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા દારૂના ગુનામાં છેલ્લા 15 દિવસથી ફરાર હતા. હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે ગામમાં દરોડો પાડતા આરોપીને દબોચી લેવામાં આવ્યો. તપાસ દરમિયાન આરોપીના કબ્જામાંથી અંગ્રેજી દારૂની વિવિધ બ્રાન્ડની 1632 બોટલો મળી આવી હતી.પકડાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 6,86,052 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂની બોટલો, ગાડી અને અન્ય સામગ્રી કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.


