હળવદમાં લીઝ કૌભાંડનો આક્ષેપ: કરોડો રૂપિયાની સરકારી તિજોરીને નુકસાનની આશંકા
હળવદ તાલુકાના સાપકડા અને ઢવાણા ગામે આવેલી સરકારી જમીન પર ચાલતી લીઝમાં મોટા પાયે ગેરરીતિ અને અનધિકૃત ખનન થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે કિરિટભાઈ લાલજીભાઈ વડસોલા દ્વારા ભૂસ્તર શાસ્ત્રી,મોરબીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદના ઢવાણા ગામમાં આવેલી લીઝો (સર્વે નં. 608 પૈકી) માટે કેન્દ્ર સરકારની પર્યાવરણીય મંજૂરી (EC) મેળવવામાં આવી નથી,તેમ છતાં ત્યાં માઈનિંગ કામ ચાલુ છે.આ પ્રવૃત્તિને ગેરકાયદેસર ગણવામાં આવી છે.લીઝ ધારકો દ્વારા અંદાજિત ૩ લાખ ટનથી વધુ ખનિજનું અનધિકૃત ઉત્ખનન કરવામાં આવ્યું છે.જો પ્રતિ ટન ૩૧૫ રૂપિયાનો દંડ ગણવામાં આવે,તો સરકારી તિજોરીને ૯.૪૫ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.સાપકડા ગામની લીઝ અંગે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે,લીઝ અંગેના નકશાઓ શંકાસ્પદ છે અને તેમાં અધિકારીઓના સહી-સિક્કા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.જમીન પર લીઝની મર્યાદા કરતા વધુ ખોદકામ કરવામાં આવ્યું હોવાની અને સ્થળ પર તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.અરજદારે માંગ કરી છે કે સબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ (માપણી) કરવામાં આવે.જો લીઝ વિસ્તારમાં થયેલું ગેરકાયદેસર ખોદકામ સાબિત થાય,તો જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરીને સરકારી તિજોરીને થયેલું નુકસાન વસૂલવામાં આવે.આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે,જેથી સરકારી મિલકત અને ખનિજ સંપત્તિનું રક્ષણ થઈ શકે.


