જેઠવા ધારે ખનન માફિયાનો ત્રાસ: ગેરકાયદેસર લીઝ સામે વિરોધ: સાપકડા બાદ વધુ ઢવાણ ગામ પણ મેદાને
હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં આવેલ જેઠવા ધારે ફાળવવામાં આવેલી માઇનિંગ લીઝ સામે અવાજ ઉઠાવ્યો છે.ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરીને લેખિત રજૂઆત કરી આ પ્રોજેક્ટને તાત્કાલિક રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
લેખિત રજૂઆતમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર,જે જમીન પર લીઝ મંજૂર કરવામાં આવી છે તે વાસ્તવમાં ગામની ‘ગૌચર’ જમીન છે.આ જમીન પર ગામનું એક પ્રાચીન મંદિર આવેલું છે,જે ગ્રામજનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.આ સ્થળે માઇનિંગ પ્રવૃત્તિ થવાથી ગામની આસ્થાને ઠેસ પહોંચી રહી છે.સાથેજ ગ્રામજનોનો આક્ષેપ છે કે,જે જગ્યાએ લીઝના ખૂટા મારવામાં આવ્યા છે,ત્યાં પર્યાવરણીય મંજૂરી લીધા વગર જ માઇનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટના કારણે ભૂગર્ભ જળ અને પાણીના સ્ત્રોત દૂષિત થવાની ભીતિ છે.આ ઉપરાંત,ભારે વાહનોની અવરજવરથી ઉડતી ધૂળ,અવાજનું પ્રદૂષણ અને ખેતીની જમીન તથા પાક ઉત્પાદન પર નકારાત્મક અસર પડવાની ગ્રામજનોને મોટી ચિંતા છે. આ પ્રદૂષણની સીધી અસર ગામના બાળકો,વૃદ્ધો અને પશુધનના સ્વાસ્થ્ય પર પડશે.તેમજ આ લીઝવાળી જગ્યા નર્મદા નિગમની મુખ્ય કેનાલથી માત્ર ૨૦૦ મીટરના અંતરમાં આવેલી છે.અહીં થતા બ્લાસ્ટિંગને કારણે કેનાલ તથા આસપાસના વિસ્તારને ભારે નુકસાન થવાની સંભાવના છે.
સમગ્ર ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે,જનહિત અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની માઇનિંગ લીઝ, એનઓસી અથવા પર્યાવરણ ક્લિયરન્સ આપવામાં ન આવે. હાલની લીઝને અન્ય યોગ્ય જગ્યાએ ફાળવવામાં આવે.ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની વ્યાજબી માંગણી નહીં સ્વીકારવામાં આવે,તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને રજૂઆત ગાંધીનગર સુધી લઈ જશે.
આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને ગ્રામજનોના વિરોધને ધ્યાનમાં રાખી ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જેઠવા ધારે થતા માઇનિંગ સામે સાપકડા બાદ ઢવાણા પણ મેદાને આવ્યું
હળવદ તાલુકાના સાપકડા ઢવાણા અને ઘનશ્યામપુર એમ ત્રણ ગામના સીમાડે આવેલ જેઠવાધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં પાછલા ઘણા સમયથી રાજકીય ઓથા હેઠળ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અહીં હાલ જુદા જુદા કપચીના ભૈડિયા કાર્યરત છે. બાજુમાંથી જ મોરબી બ્રાન્ચ ની કેનાલ પસાર થતી હોય કેનાલના રોડ પર અવરલોડ ડમ્પરો પસાર કરાવી ઘણી જગ્યાઓ ઉપર પારો દબાવી દેવાયો છે. જવાબદાર તંત્ર પણ માત્ર તમાશો જોતું હોય તેમ ગ્રામ પંચાયતોની રજૂઆત ખેડૂતોની રજૂઆત કે પછી જાગૃત લોકોની રજૂઆત ધ્યાને ન લઈ જાણે આ વિસ્તારમાં માઇનિંગ માટે રીતસર નો પરવાનો આપી દીધો હોય તેવી સ્થિતિનુ નિર્માણ થયું છે.


