HomeGujaratહળવદ નગરપાલિકાને અંધાપો કે લીલીઝંડી? કુદરતી પાણીના વહેણો પર દબાણ છતાં તંત્ર...

હળવદ નગરપાલિકાને અંધાપો કે લીલીઝંડી? કુદરતી પાણીના વહેણો પર દબાણ છતાં તંત્ર મૌન

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાને અંધાપો કે લીલીઝંડી? કુદરતી પાણીના વહેણો પર દબાણ છતાં તંત્ર મૌન

હળવદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને કુદરતી વહેણોને લઈને ફરી એકવાર નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તાજેતરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું દૂષિત પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે મુખ્ય અધિકારી તુષાર ઝાલોરિયાએ પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન ભૂલથી કેનાલમાં પાણી ગયાનું કારણ દર્શાવી બચાવ કર્યો હતો. જોકે હવે શહેરમાં કુદરતી પાણીના વહેણો અને વરસાદી નિકાલના માર્ગો પર થયેલા દબાણો ચર્ચાનો વિષય બન્યા છે.
માહિતી મુજબ સરા ચોકડીથી લઈને મોરબી ચોકડી સુધી તથા સામંતસર તળાવ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના માર્ગો અને કુદરતી વહેણો પર દબાણો થઈ ગયા છે. અનેક સ્થળોએ માટીનો ભરાવો કરી પાણીના પ્રવાહને અવરોધવામાં આવ્યો હોવાની લોકચર્ચા છે અને પરિણામે વરસાદી પાણીના કુદરતી માર્ગો બંધ થતાં આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાણેકપર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા. તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા દબાણો દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સામંતસર તળાવની આસપાસ માટી નાખી પાણીના વહેણો બંધ કરી દબાણ કરવામાં આવી રહ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે નગરપાલિકા તંત્રની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા છે. શહેરજનો હવે માંગ કરી રહ્યા છે કે પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલના તમામ માર્ગોનું સર્વેક્ષણ કરી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન શહેરને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી શકે.

RELATED ARTICLES

Most Popular