હળવદ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસ બાબતે સોનીવાડના રહીશોની પાલિકામાં રજૂઆત
હળવદ શહેરના સોનીવાડ વિસ્તારમાં રખડતા ઢોર અને ખૂંટિયા ગાયોનો આતંક વધતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે રહિશોએ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે સોનીવાડ વિસ્તારમાં રખડતા ઢોરની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને સાંજના સમયે ગાયો અને ખૂંટિયા રસ્તાઓ પર જમાવડો કરતાં હોવાને કારણે વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે. આ ઢોર દ્વારા લોકો પર હુમલા થવાના બનાવો બનવાની શક્યતા પણ બની શકે તેમ છે. આ સમસ્યા અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જેના પરિણામે કોઈને ઈજા થાય કે ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉભો થયો છે.અંતે રહિશોએ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું છે કે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે અને રખડતા ઢોરને પકડીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


