હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં મંગળવારે રિસેસના સમયે રમત રમી રહેલા ધોરણ-૪ના વિદ્યાર્થી પર રખડતા કુતરાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બાળકને માથામાં ગંભીર ઈજા થતા 10 ટાંકા પડ્યા છે, જ્યારે ગળામાં પણ ઈજાઓ થઈ છે.મળતી માહિતી અનુસાર, ગૌતમ સાગરભાઈ નામના આ વિદ્યાર્થી રિસેસ દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો. અચાનક એક કુતરો તેના પર તૂટી પડ્યો અને માથા તેમજ ગળા પર બચકાં ભરી દીધાં. ઘટનાથી આસપાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક બાળકને શાળાના સ્ટાફ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેના માથામાં 10 ટાંકા લગાવ્યા છે.શાળા પરિસરની દિવાલમાં બાકોરું (છેદ) હોવાથી રખડતા કુતરાઓની અવરજવર સતત ચાલુ રહે છે, જેના કારણે આવી ઘટના બની હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સુરક્ષા અને રખડતા પશુઓના નિયંત્રણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.આ અંગે માનસર શાળાના એસએમસી અધ્યક્ષ ભરતસિંહ ગોહિલના જણાવ્યા મુજબ દીવાલ પડી ગઈ છે ત્યા સમાર કામ કરવા માટે અવાર નવાર તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે પરંતુ સ્થાનિક તંત્રે યોગ્ય કાર્યવાહી ન કરતા માનસર ગામના બાળક કુતરાએ આશરે દસેક દિવસ પહેલા મંગળવારે રીસેસના સમયે હુમલો કરી ઈજા પહોચાડી છે જેથી કરી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન ઘટે તે માટે તાત્કાલિક દીવાલ સમારકામની સાથે ઉચાઇ પણ વધારવામાં આવે તેવી માગ ઉઠી છે જોકે જાણવા મળતી વિગત મુજબ હાલ દીવાલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી દેવાઈ હોવાનું અને કામગીરી શરુ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે


