હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી સગીરાની લાશ મળી
હળવદ તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં રણજીતગઢ નજીક ધાંગધ્રા બ્રાંચ નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી સગીરાની લાશ બે દિવસ બાદ મળી આવી છે. મહારાષ્ટ્રના ખેત શ્રમિક પરિવારની સગીરા કેનાલે કપડા ધોઈ રહી હતી ત્યારે દુર્ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મુળ મહારાષ્ટ્રના હાલમાં હળવદમા રણજીત ગઢમાં કાળુભાઈ મોહનભાઈની વાડીએ ખેત મજૂરી કરતા લેહકાભાઇની પુત્રી વાડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રવિના લહેકાભાઈ વસાવા (ઉંમર ૧૬ વર્ષ) બુધવારે કપડાં ધોવા માટે ગયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઉંડા પાણીમાં ગરકાવ થયેલી સગીરાની સ્થાનિક તેમજ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બુધવારે નર્મદા કેનાલમાં લાંબી શોધખોળ બાદ શુક્રવારે અંદાજે ત્રણ કિલોમીટર દૂર આવેલા બ્રાહ્મણી ડેમમાંથી સગીરાની લાશ હોડીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. લાશ મળતાં જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ ઘટનાને પગલે સગીરાની લાશને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી અને હળવદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


