હળવદની તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓનું રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં શાનદાર પ્રદર્શન
મોડેલ પ્રેઝન્ટેશનમાં શાહનવાઝ અંસારીને ટ્રોફી-સર્ટિફિકેટ, પાર્થે મકવાણાને સિલ્વર તથા હર્ષ વડાવિયા અને દિવ્યમ ઠાકરને બ્રોન્ઝ મેડલ
હળવદ: ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત 20મો ગુજરાત રાજ્યકક્ષાનો “ગણિત મહોત્સવ” ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. રાજ્યભરમાંથી આશરે 125 વિદ્યાર્થીઓ, 45 શિક્ષકો તથા 15 શ્રેષ્ઠ શિક્ષકોએ મહોત્સવમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જાણીતા ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલ, ઇસરોના વૈજ્ઞાનિક પરેશ સરવૈયા, નાસાના વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ, ડૉ. ચંદ્રમૌલી જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં હળવદની તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. મોડેલ પ્રેઝન્ટેશનમાં શાહનવાઝ અંસારીએ ટ્રોફી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે જુનિયર કેટેગરીના મોડેલ પ્રેઝન્ટેશનમાં પાર્થે મકવાણાએ સિલ્વર મેડલ, જ્યારે હર્ષ વડાવિયા અને દિવ્યમ ઠાકરે બ્રોન્ઝ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી.
આ ઉપરાંત રાજ્યકક્ષાની મેથ્સ ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રતિનિધિત્વ કરવા બદલ ધૈર્યરાજ ઝાલા, ભાવિક ઉડેચા, આયુષ ઈંદરિયા અને પ્રતિક વાલાણીને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે રામજીભાઈ જાકાસણિયા અને રાજેન્દ્રભાઈ મહેતાનું માર્ગદર્શન રહ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને નાસાના વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ, ચંદ્રમૌલી જોશી તથા ડૉ. મહેશ પટેલે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


