હળવદ ભાજપના સ્થાનિક નેતાઓએ સાંસદને લજવ્યા,સ્થાનિક નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં સાંસદ હાજર હતા ત્યાં સુધી જ સાવેણો ફેરવ્યો, સાંસદ ગયા બાદ સ્વીપર મશીન ફેરવી દેવાયું : કાર્યક્રમ વેળાએ બસ સ્ટેન્ડમાં દારૂ ઢીંચીને પડેલો શખ્સ જોવા મળ્યો
હળવદ : હળવદમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં સાંસદની હાજરીમાં ભાજપના સ્થાનિક નેતાઓએ શિસ્તબદ્ધ બનીને સાવેણા ફેરવ્યા હતા. જેવા કે સાંસદ ગયા, સ્થાનિક નેતાઓએ મશીન કામે લગાડીને સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરી દીધું હતું. આમ માત્ર ફોટો સેશન પૂરતા જ સ્થાનિક નેતાઓએ સાવેણા પકડી જાણે સાંસદને લજવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ આ દેખાડાએ નગરમાં હાસ્ય પણ રેલાવી દીધું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની ઉપસ્થિતિમાં હળવદ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદ ઉપરાંત સ્થાનિક નેતાઓ એવા જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે,પાલિકાના ચુટાયેલા સભ્યો તેમજ શહેર ભાજપના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે પણ સાંસદની સાથે સાવેણો ફેરવ્યો હતો. સાંસદ દરજ્જાના નેતા વ્યસ્ત હોય એટલે નિર્ધારિત સમયમાં તે ચાલ્યા જાય તે વ્યાજબી છે. પણ જેવા કે સાંસદ ગયા, ફોટો સેશન પૂર્ણ જાહેર કરી સ્થાનિક નેતાઓએ પણ સાવેણા સંકેલી લઈને સ્વીપર મશીનને સફાઈના કામે લગાવી દીધું હતું.
વધુમાં સાંસદના આ ચાલુ કાર્યક્રમમાં જ સ્થાનિક ભાજપની નબળી નેતાગીરી ઉઘાડી પડી ગઈ હતી. બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં પડ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. પરીણામે તુરંત 112 બોલાવીને દારૂ પીધેલા શખ્સને પકડાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ જોતા સ્પષ્ટ થાય છે કે સાંસદ વૃક્ષારોપણ અને સ્વચ્છતા જેવા સારા ઉદ્દેશ્યથી ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક આગેવાનો અને પાલિકાના સભ્યો માત્ર ફોટા પડાવવા અને રીલ્સ બનાવવામાં જ વ્યસ્ત છે. ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ન જાળવીને સ્થાનિક નેતાઓની બેદરકારીના કારણે સાંસદને પણ ભોંઠા પડવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વેળાએ સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વર્ષના તેમના શાસનકાળ દરમિયાન 4399 દિવસમાં એક પણ રજા લીધા વિના દેશની સેવા કરી છે અને દેશને પ્રગતિના પંથે લઈ જવાનું કાર્ય કર્યું છે. તેમના દીર્ઘાયુ માટે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે. આવતીકાલે દેશના તમામ ગામો અને શહેરોના મોટા મંદિરોમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં દારૂ પીધેલા શખ્સ અંગે સાંસદે કહ્યું કે જો બસ સ્ટેન્ડમાં આવા તત્વો આવતા હોય તો પોલીસ વિભાગને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવશે. મુસાફરોને કોઈ પરેશાની ન થાય તે માટે પોલીસ કડક કાર્યવાહી કરશે. અંતમાં હળવદમાં બસ ડેપો ન હોવાના કારણે મુસાફરોને પડતી હાલાકી અને લાંબા સમયથી ચાલી આવતી માંગ અંગે સાંસદે જણાવ્યું હતું કે, હળવદમાં નવો બસ ડેપો બને તે માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને મને આશા છે કે બહુ જલ્દી હળવદને નવો બસ ડેપો મળશે.


