હળવદમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 2500 ચકલી ઘર અને 2500 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ) નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા અનોખી સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આ અવસરે ગ્રુપ દ્વારા 2,500 ચકલી ઘર અને 2,500 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં દાતા ધરમશીભાઈ મકાસણાનું વિશેષ યોગદાન રહ્યું હતું, જ્યારે પાણીના કુંડાનું વિતરણ વિવિધ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. ગ્રુપ દ્વારા દર વર્ષે અલગ-અલગ દાતાઓના સહયોગથી આ પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 20,000 થી વધુ પાણીના કુંડા અને 20,000 ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવાનોની ટીમ દ્વારા સંચાલિત આ અભિયાન દર વર્ષે 20 માર્ચના રોજ નિયમિત રીતે યોજાય છે.
આ ઉપરાંત, વર્ષ દરમિયાન પણ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે યુવાનો સતત પ્રયત્નશીલ રહે છે.


