ખેડૂતોને મગફળીમાં પોષણક્ષમ બજારભાવ મળે એ માટે મગફળીનું વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે કોઈ કારણોસર સેટેલાઈટ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોના ખેતરમાં મગફળીનું વાવેતર થયું જ નથી તેવી ઈમેજનો ખેડૂતોને મેસેજ આવતા હળવદના સુંદરી ભવાની ગામની સીમમાં વિવિધ જગ્યાએ વાવેતર કરેલાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.રાજ્ય સરકાર દ્વારા મગફળીનો ટેકાના ભાવે 20 કિલોના 1452 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને હાલ ખુલ્લી હરાજીમાં બજારભાવ નીચો હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે મોરબીના હળવદમા 26590 હેક્ટરમાં , માળીયા 355, મોરબી 17480, ટંકારા 20600, અને વાંકાનેર 4075 હેક્ટર મળીને કુલ મગફળીનું વાવેતર 69100 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લામાં હળવદ,વાકાનેર, માળીયા, ટંકારા અને મોરબી તાલુકાના 19258 ખેડૂતો ખાતેદારોએ ઈ સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે પરંતુ ખેડૂતોનાં ખેતરમાં મગફળીનું વાવેતર સેટેલાઈટ ઈમેજમા નહીં દેખાતાં હોવાનો મેસેજ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે બીજી તરફ 3 દિવસમાં વાંધા અરજી આપવાની રહેશે જેથી હવે ખેડૂતો ખેતી કરે કે પછી મગફળીના પુરાવા રજૂ કરવા કચેરીમાં જાય તેવી વ્યથા ઠાલવી રહ્યા છે.


