મોરબી જિલ્લામાં 17 કેન્દ્રો પર આજથી ધો 10-12ની પરીક્ષાઓ શરૂ
મોરબી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધો.10, 12 બોર્ડની પરીક્ષા વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, દર વર્ષે સામાન્ય રીતે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ યોજાતી હોય છે. પરંતુ આ વર્ષે 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના 22844 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા મોરબી જિલ્લાના કુલ 10 કેન્દ્ર જેમાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર (મચ્છુ), સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા અને પીપળીયા રાજમાં બોર્ડની પરીક્ષા લેવાશે. ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં કુલ 4 કેન્દ્ર જેમાં હળવદ, મોરબી, વાંકાનેર અને ટંકારામાં પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 3 કેન્દ્ર જેમાં હળવદ, મોરબી અને વાંકાનેર કેન્દ્રમાં પરીક્ષા લેવાશે. ઝોન કચેરીનું સ્થળ આર.એસ. બોયઝ હાઈસ્કૂલ, સદભાવના હોસ્પિટલ નજીક, મોરબી જિલ્લો રહેશે. મહત્વની વાત છે કે, મોરબી જિલ્લામાં સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ કેન્દ્રો એક પણ નોંધાયા નથી.