હળવદમાં ફેલાયેલ દવાઓમાં આરોગ્ય વિભાગે દર્દી માથે દોષારોપણ કરી લૂલો બચાવ કર્યો
હળવદમાં આરોગ્ય વિભાગે પોતાનું પાપ છુપાવવા દર્દી ઉપર દોષનો ટોપલો ઢોળી કોરાં કાગળમા સહી કરાવ્યાના આરોપ સાથે મયાપુરના ગ્રામજનો એકઠાં થયાં હતાં અને ભારોભાર આરોગ્ય વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ન્યાયિક તપાસની માગણી કરી છે.
હળવદ તાલુકાના મયાપુરથી ઈગોરાળા વચ્ચે ગતકાલે ગુજરાત સરકારના ઉપયોગ માટે લખાણવાળી ટેબલેટ, દવાની બોટલ અને ટ્યુબ મળી આવી હતી જેમાં આરોગ્ય વિભાગ દ્વારા મયાપુર ગામનાં ભરતભાઈ ગોવિંદભાઈ કણઝરીયાને બોલાવી કોરાં કાગળમા સહી કરાવીને દોષનો ટોપલો ઢોળી આરોપ લગાવીને તેમની નિષ્ફળતા છુપાવી હતી.
હળવદ તાલુકાના ભાજપ પ્રમુખ ભરતભાઈ લઘરાભાઈ કણઝરીયા અને પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગોરીયા મયાપુરના સરપંચ નથુભાઈ કણઝરીયાએ ઉચ્ચ કક્ષાએ ન્યાયિક તપાસની માગણી કરી છે અને સરપંચે ગામનાં યુવાનને ફસાવી ગામ બદનામ કરવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો.
મયાપુરનો ભરતભાઈ કણઝરીયા છેલ્લા એકાદ વર્ષથી ચામડીના રોગથી પિડાય છે અને સરકારી દવાઓનો ઉપયોગ કરે છે જેથી કરીને સરકારી બાબુઓએ દવાઓનો જથ્થો જાહેરમાં દર્દી ભરતભાઈ કણઝરીયાએ ફેક્યો હોય તેવું કહી આરોપ લગાવ્યો હતો પરંતુ દર્દી ભરતભાઈ કણઝરીયાના ઘરેથી વપરાશ થયેલ ટ્યુબ અને ટેબલેટ ખાલી બોક્ષ મળી આવતાં આરોગ્ય વિભાગની પોલ ખુલી ગઈ છે.
આરોગ્ય વિભાગના હળવદ તાલુકા ઇન્ચાર્જ ઓફિસર ડૉ પરેશ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અમે કોઈનું અપહરણ કર્યું નથી કે કોઈ કાગળ પર બળજબરી સહી કરાવી નથી અમે ગામનાં નાગરિક તરીકે પંચરોજ કામમાં સહી કરાવી છે પરંતુ હજુ દર્દી ભરતભાઈ કણઝરીયાને કારમાં બેસાડીને અપહરણ કોણ કરી ગયું હતું અને પોલીસ મથકે કોણ લઈ ગયું હતું તે સવાલો ઊભા થયાં છે.